ચોટીલા, ૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિ, ઈ-ધરા અમલીકરણ સમિતિ, અને એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં થાનગઢ, મુળી અને ચોટીલા તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં મુખ્યત્વે થાનગઢ તાલુકાના વીજળીયા ગામે શાળા પાસે આવેલા ઈલેક્ટ્રિક ટી.સી. અને બોરને સ્થળાંતરિત કરવા, થાનગઢ નગરપાલિકામાં ટેક્સ ન ભરતા લોકો સામે કાર્યવાહી કરવા અંગે, સિંચાઈ વિભાગ અને થાનગઢ નગરપાલિકા વચ્ચે રૂ. ૭ કરોડના બિલની બાકી રકમ અંગે, ચોટીલા-થાનગઢ રોડ પરની સ્ટેટ બેંક પાસેના ટ્રાફિકની સમસ્યા, ટીલા તાલુકાના મેવાસા (સે) ગામે બસ સેવા શરૂ કરવા અંગેની માંગણી. ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પરથી બાવળ કટિંગ કરવા અંગે, ચોબારી ગામે ભરાતા મેળામાં પાથરણાવાળા દ્વારા થતા ટ્રાફિકની સહિતના મુદ્દાઓનો સમાવેશ થાયો હતો.
આ બેઠકમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, અને પીજીવીસીએલ જેવા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ હાજર રહીને આ સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જ્યારે ઈ-ધરા અને એ.ટી.વી.ટી. સમિતિની બેઠકોમાં પણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી.




