નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રીઓ, કલેકટરશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિત
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ધોળીધજા ડેમ પાસે રૂ. ૨૩.૩૯ કરોડના ખર્ચે ધોળીધજા ડેમ પાર્કના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે શાસ્ત્રોકત વિધિ સાથે પૂજા અર્ચના દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસનને વેગ આપવા સાથે પર્યાવરણની જાળવણી કરવાનો છે, જેમાં ગ્રીન કવર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
ધોળીધજા ડેમ પર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બોટિંગ સુવિધાઓ પણ ભવિષ્યમાં શરૂ કરાશે:મંત્રી શ્રી મુળુભાઈ બેરા
વિકાસકામના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રસંગોચિત ઉદબોધન કરતા કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રવાસનને વેગ આપતા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધોળીધજા ડેમ પર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બોટિંગ સુવિધાઓ પણ ભવિષ્યમાં શરૂ કરવામાં આવશે. ધરોઈ ડેમની જેમ અહીં પણ એડવેન્ચર એક્ટિવિટી થઈ શકશે. પરિણામે આ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસનને વેગ મળશે.
ધોળીધજા ડેમ પાર્કનું ગુણવત્તાયુક્ત નિર્માણકાર્ય માત્ર દોઢ વર્ષમાં પૂર્ણ થશે:નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા
પર્યાવરણની જાળવણી પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટ કહ્યું કે, ગ્રીન કવર વધારવા માટે સરકાર દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પાર્કના વિકાસ કામમાં એક પણ ઝાડ ખોટી રીતે કાપવામાં નહીં આવે. જો કોઈ વૃક્ષ અડચણરૂપ થતું હશે તો પણ ડિઝાઈન બદલી વૃક્ષ મુજબ કરવામાં આવશે, તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ પાર્ક નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસનને નવી દિશા મળશે અને સ્થાનિક અર્થતંત્ર વેગવાન બનશે. સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કટિબદ્ધ છે અને આવા વધુ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં પણ શરૂ કરવામાં આવશે.
આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં કહ્યું હતું કે, આ પાર્કનું ગુણવત્તાયુક્ત નિર્માણકાર્ય માત્ર દોઢ વર્ષમાં પૂર્ણ થવાનું છે. જિલ્લામાં અગાઉ વટેશ્વર વન અને ભક્તિ વન જેવા સાંસ્કૃતિક વનોની ભેટ પણ મળી છે. આ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરનો વિકાસ થશે અને શહેરના લોકોને સુવિધા મળશે. આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવની વાત છે. આ પાર્ક માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ શહેરના સૌંદર્ય અને વિકાસનું પ્રતિક બનશે.
પાર્ક માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ શહેરના સૌંદર્ય અને વિકાસનું પ્રતિક બનશે:પાર્ક નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસનને નવી દિશા મળશે અને સ્થાનિક અર્થતંત્ર વેગવાન બનશે
તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી મૂળુભાઈ બેરાનો આ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ આભાર માનતા ઉમેર્યું હતું કે, ધોળીધજા ડેમ ખાતે કડાણા ડેમ જેવો જ આકર્ષક લાઈટ એન્ડ સાઉન્ડ શો બનાવવામાં આવે તેવી રજૂઆત છે. દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ, મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, દસાડા ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, અગ્રણીશ્રી વર્ષાબેન દોશી, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડ, પ્રવાસન વિભાગના અધિકારીશ્રીઓ સહિતનાં પદાધિકારીશ્રીઓ, સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





