સુરેન્દ્રનગર: ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત "સરદાર સન્માન યાત્રા-૨૦૨૫" નું સુરેન્દ્રનગર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રા બારડોલીથી પવિત્ર સોમનાથ ધામ સુધી કુલ ૧૨ દિવસ અને ૧૮૦૦ કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ, અને રાષ્ટ્રની એકતા માટેના તેમના યોગદાનથી પ્રેરણા લઈને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનો છે.
યાત્રા વઢવાણ ગેબનશાહ સર્કલ ખાતે પહોંચી ત્યારે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આગળ વધી હતી. ત્યાર બાદ, સુરેન્દ્રનગર ખાતે પહોંચતા આ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિ નંદન સર્કલ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકારના મુખ્ય આગેવાનો તેમજ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સાંસદ સભ્ય ચંદુભાઈ, અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા યાત્રા ગુજરાતના ૧૮ જિલ્લા, ૬૨ તાલુકા અને ૩૫૫ ગામોમાંથી પસાર થઈને ૨૨ સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે પૂર્ણ થશે, જ્યાં સરદારના અખંડ ભારતના સપનાને ફરીથી યાદ કરવામાં આવશે.




