રાજ્યના વિવિધ નિગમો જેવા કે એસ.ટી. વિભાગ, ડેરી, અને વીજ કંપનીઓમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાના નજીવા પેન્શન સામે વિરોધ નોંધાવ્યો છે. હાલમાં અંદાજે તેમને માસિક માત્ર રૂ. 200 થી રૂ. 3500 જેટલું પેન્શન મળે છે. આથી નિવૃત્ત કર્મચારીઓએ સુરેન્દ્રનગર જિલ્લાના પેન્શન ઓફિસ સામે સૂત્રોચ્ચાર કરીને આગામી માસમાં મળનારી સીબીડી બેઠકમાં ન્યૂનતમ રૂ.7,500નું પેન્શન મંજૂર કરવાની માગ કરી છે. તેમના મતે રાજ્ય અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોના નિવૃત્ત કર્મચારીઓને પૂરતું પેન્શન મળે છે. જેથી તેમનો નિવૃત્તિ પછીનો સમય સુખરૂપ પસાર થાય છે.
આ તકે નિવૃત્ત કર્મચારીઓ ગીરીરાજસિંહ ઝાલા અને હનીફભાઈ બેલીમ સહિતનાએ જણાવ્યું કે, તેમના પગારમાંથી નિયમિત પેન્શનની રકમ કાપવામાં આવતી હતી. આ એકત્ર થયેલી રકમ અંદાજે રૂ. 7,000 કરોડ જેટલી છે જે સરકારના પેન્શન વિભાગમાં જમા છે. તેમ છતાં તેમને અન્ય સરકારી કર્મચારીઓ જેવું પૂરતું પેન્શન કેમ આપવામાં આવતું નથી.? તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. જ્યારે વર્તમાન પેન્શનની રકમ એટલી ઓછી છે કે તેમાંથી દવાઓનો ખર્ચ પણ માંડ નીકળી શકે છે!. આથી નિવૃત્ત કર્મચારીઓએ સન્માનજનક પેન્શનની માગ સાથે 80 ફૂટ રોડ પર આવેલ પેન્શન કચેરી સામે સુત્રોચ્ચાર કર્યું હતું.


