ધ્રાંગધ્રા: દિવાળીના તહેવારને ધ્યાને રાખીને ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારોમાં હોલસેલ અને રિટેલ ફટાકડાના વેપારીઓ દ્વારા ફટાકડાનો સંગ્રહ કરતા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્યની ટીમે કડક કાર્યવાહી કરી છે. બાતમીના આધારે ડેપ્યુટી કલેક્ટરની ટીમે શહેરના રાજકમલ ચોક પાસે આવેલી ફટાકડાની એક રિટેલ દુકાન પર રેડ કરીને રૂપિયા ૧.૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
જ્યારે ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્યએ સિટી પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી હાથ ધરી હતી. તેમને બાતમી મળી હતી કે રાજકમલ ચોક પાસે એક દુકાન લાયસન્સ વગર ખોલીને ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રેડ દરમિયાન દુકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા અલગ-અલગ ફટાકડાના બોક્સ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ આંકવામાં આવી છે અને તેને સીઝ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દુકાન ફૂલગલીના મોહસીન અનવરભાઈ જેસડિયાની છે! મોહસીન જેસડિયા દ્વારા લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ અને વેપાર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.! જેના પગલે લાયસન્સ વગર ફટાકડાનો ધંધો કરનાર આ વેપારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્યની આ અચાનક રેડથી અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ અને વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


