લાયસન્સ વિના જોખમી ફટાકડાનું વેચાણ કરશે તેમની સામે નિયમ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે:નાયબ કલેક્ટર
ચોટીલામાં નાયબ કલેક્ટરની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ફટાકડાની દુકાનોમાં લાયસન્સની ચકાસણી કરવામાં આવી હતી. લાયસન્સ વિના ફટાકડાનું સ્ટોરેજ કે વેચાણ કરવામાં ન આવે અને સુરક્ષાના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવામાં આવી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા શહેરની મીઠાઈ-ફરસાણની દુકાનો તેમજ ફટાકડાના વેપારીઓની દુકાનો પર ઓચિંતું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ અગાઉ યોજાયેલી બેઠકોમાં નક્કી કરાયેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરવાનો હતો.
દિવાળીના તહેવારને અનુલક્ષીને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ થોડા સમય અગાઉ મીઠાઈ-ફરસાણના વેપારીઓની બેઠક યોજી હતી. જેમાં મીઠાઈના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા. આ તપાસણી દરમિયાન અધિકારીઓએ દુકાનદારો નક્કી કરેલા ભાવો કરતાં વધુ ભાવ ન લે તે અંગે ચકાસણી કરી હતી. ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નાયબ કલેક્ટર દ્વારા અગાઉ એક બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે ફટાકડાનું સ્ટોરેજ અને વેચાણ કરવા માંગતા વેપારીઓએ ફરજિયાત લાયસન્સ મેળવવું પડશે. આ સૂચનાના અનુસંધાનમાં ફટાકડાની દુકાનોમાં લાયસન્સની ચકાસણી કરવામાં આવી હતી. લાયસન્સ વિના ફટાકડાનું સ્ટોરેજ કે વેચાણ કરવામાં ન આવે અને સુરક્ષાના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવામાં આવી હતી.
આ અંગે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, "તહેવારની સિઝનમાં ગ્રાહકોનું શોષણ ન થાય અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે જોવાની વહીવટી તંત્રની ફરજ છે. જે વેપારીઓ નક્કી કરેલા ભાવનું ઉલ્લંઘન કરશે કે લાયસન્સ વિના જોખમી ફટાકડાનું વેચાણ કરશે તેમની સામે નિયમ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.




