લીંબડી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. નવરાત્રી મહોત્સવના પવિત્ર અવસરે, ચોરાપા કડિયારમંદિર પાસે આવેલા મેદાનમાં ચામુંડા મિત્રમંડળ દ્વારા આયોજિત ભવ્ય ગરબીએ ૧૦૭મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પરંપરાગત આયોજન લીંબડીવાસીઓ માટે આસ્થા અને આનંદનું કેન્દ્ર બની રહ્યું છે.
ચામુંડા મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની આરાધના માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શેરી ગરબીના આ માહોલમાં, નાની નાની બાળાઓએ ટ્રેડિશનલ વેશભૂષામાં સજી-ધજીને ગરબાની રમઝટ બોલાવી હતી, જે જોઈને સૌ કોઈનું મન મોહી લેતું હતું. મંડળ દ્વારા આ નાની બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે લાણી વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
નવરાત્રીના ગરબામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌ કોઈએ શણગાર સાથે મન મૂકીને ગરબે ઘૂમી, માતાજીની ભક્તિ અને આરાધના કરી હતી. સમગ્ર ચોરાપા વિસ્તાર માતાજીના જયકાર અને ગરબાના તાલથી ગુંજી ઉઠ્યો હતો.
આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન માતાજીની કૃપાથી ૧૦૭મું વર્ષ પરિપૂર્ણ કરવા જઈ રહ્યું છે, ત્યારે ચોરાપા વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ આ પરંપરાને જીવંત રાખવા બદલ ચામુંડા મિત્રમંડળ પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કર્યો છે. આ મિત્રમંડળ માત્ર ઉત્સવ જ નહીં, પણ સંસ્કૃતિ અને ભક્તિના વારસાનું જતન કરી રહ્યું છે.(વિશાલ પરમાર,સુરેન્દ્રનગર)


