ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી, અને થાનગઢ તાલુકાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ૩૦/૦૯/૨૦૨૫ના રોજ મીઠાઈ અને ફરસાણના વેપારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આગામી દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સંતોષકારક સંબંધો જળવાઈ રહે અને નાના તથા મધ્યમ વર્ગના પરિવારો પણ તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તેવા માનવીય અભિગમ સાથે વિવિધ મીઠાઈ અને ફરસાણના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા.
બેઠકમાં, ગ્રાહકોને સંતોષ થાય તે રીતે પ્રતિ કિલોગ્રામ દીઠ વિવિધ મીઠાઈઓ અને ફરસાણના મહત્તમ ભાવો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મીઠાઈ/ફરસાણનું નામ, પ્રતિ કિલોગ્રામ ભાવ રૂપિયામા (૧) ગુલાબ જાંબુ રૂ. ૨૦૦/- (૨) મોતીચુર લાડુ રૂ. ૨૦૦/- (૩) બેસનના લાડુ રૂ. ૧૫૦/- (૪) મોહનથાળ રૂ.૨૩૦/- (૫) મોહનથાળ (શુદ્ધ ઘી) રૂ. ૪૧૦/- (૬) ટોપરા પાક રૂ. ૩૧૦/- (૭) મીઠા સાટા રૂ. ૨૦૦/- (૮) મીક્ષ ચવાણું રૂ. ૨૮૦/- (૯) બુંદી રૂ. ૧૮૦/- (૧૦) ગાંઠીયા (વણેલા / ફાફડા) રૂ. ૪૦૦/- (૧૧) ગાંઠીયા (સાદા) રૂ.૨૬૦/- (૧૨) જલેબી (તેલ) રૂ. ૨૦૦/- (૧૩) જલેબી (ઘી) રૂ. ૬૦૦/- (૧૪) ખમણ રૂ. ૨૦૦/- (૧૫) સમોસા રૂ. ૨૮૦/- (૧૬) ચોળાફળી રૂ. ૩૨૦/- (૧૭) સફેદ પેંડા રૂ. ૪૦૦/- (૧૮) કેસર પેંડા રૂ.૪૦૦/- (૧૯) કાજુ કતરી રૂ. ૧૦૦૦/ સહિતના ભાવ નક્કી કરેલા છે.
જ્યારે આ નક્કી કરેલા ભાવો ઉપરાંત, વેપારીઓએ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ગુણવત્તા જાળવવા માટે ખાસ સૂચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. જેમાં શુદ્ધતા અને ગુણવત્તા: મીઠાઈ અને ફરસાણના ઉત્પાદનમાં શુદ્ધ ઘી/તેલનો જ ઉપયોગ કરવો. લોટ, મેંદો, કલર, વરખ, ડ્રાયફ્રૂટ વગેરે વસ્તુઓ ચોખ્ખી અને જંતુરહિત હોવી જોઈએ, ભાવ અને વેચાણ: ઉપરોક્ત નક્કી કરેલ ભાવોએ જ તમામ વસ્તુઓનું વિતરણ કરવાનું રહેશે અને વાસી ઉત્પાદનોનું વેચાણ સદંતર બંધ રાખવું, દુકાનની આસપાસ સફાઈ અને જાળવવી અને સરસામાનની સફાઈ કર્યા બાદ જ વાપરવો, કાનૂની પાલન: વેપારીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરવા અને તોલમાપના સાધનો કાનૂની માપ વિજ્ઞાન કચેરી દ્વારા સ્ટેમ્પીંગ કરાવ્યા બાદ જ ઉપયોગમાં લેવા, ભેળસેળ પર પ્રતિબંધ: કોઈપણ મીઠાઈ કે ફરસાણમાં ભેળસેળ બિલકુલ કરવાની રહેશે નહીં, જાહેર માહિતી દરેક વેપારીએ ભાવ તથા આઈટમ વાર બોર્ડ ફરજિયાતપણે રાખવા, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા તેલ માટે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે વેપારીઓ માટેની મુખ્ય સૂચનાઓનું પાલન કરવા નાયબ કલેકટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે. ત્યારે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયથી તહેવારોમાં ગ્રાહકોને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળશે.




