વિકાસ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરતા ગ્રામજનો, મહાનુભાવોના હસ્તે વિકાસકામોનું લોકાર્પણ તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરિત
રાજ્ય સરકાર દ્વારા જન-જન સુધી વિકાસના કાર્યો પહોંચાડવા હેતુ 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ રથનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ બાદ વેળાવદર મુકામે વિકાસ રથનું આગમન થયું હતું, જ્યાં ગ્રામજનોએ કુમકુમ તિલક કરી રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વેળાવદર ગામે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ભવ્ય રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગામડાઓનો વિકાસ એ જ સરકારનો મુખ્ય ધ્યેય છે. વિકાસ સપ્તાહ એ વિકાસના કાર્યોની સમીક્ષા અને નવા સંકલ્પો લેવાનો અવસર છે. તેમણે રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ગ્રામજનોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને આ કાર્યક્રમ તેના જ્વલંત ઉદાહરણો પૂરા પાડે છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકાસકામોનું લોકાર્પણ તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરિત કરવામાં આવ્યા હતા. રથના માધ્યમથી ઉપસ્થિત સર્વએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરતી શોર્ટ ફિલ્મ્સ નિહાળી હતી. તદુપરાંત, ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ રાત્રી કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અંબારામભાઈ દેવૈયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમથુભાઈ કમેજળીયા, વઢવાણ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ સોનગરા, વેળાવદર સરપંચ શ્રી ચંપાબેન શેખાવા સહીત તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, વઢવાણ મામલતદાર શ્રી બિજલભાઈ ત્રમટા, વઢવાણ તાલુકા વિકાસ અધિકારીશ્રી જી.ડી.શિરોયા સહીતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.



