જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા "જ્ઞાન સહાયક યોજના" અંતર્ગત ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા કક્ષાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર શિક્ષાની કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી જિલ્લાવાઇઝ મેરિટ યાદીમાં સામેલ તમામ ઉમેદવારોને તેમની પસંદગીની શાળા ફાળવવા તા. ૦૪/૧૦/૨૦૨૫, શુક્રવારે સવારે ૧૧ કલાકે શેઠ એન. ટી. એમ. હાઈસ્કૂલ, મેળાના મેદાન સામે, સુરેન્દ્રનગર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મેરિટ યાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને તેમના ઈમેલ દ્વારા કેમ્પમાં હાજર રહેવા માટેનો પત્ર મોકલી આપવામાં આવ્યો છે. જ્ઞાન સહાયકની નિમણૂક માટે શાળાની પસંદગી કરવા માટે આ કેમ્પમાં હાજર રહેવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર નિર્ધારિત તારીખ અને સમયે કેમ્પમાં હાજર નહીં રહે, તો તેઓ શાળા પસંદગી કરવા માંગતા નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.


