ચોટીલા, તા. ૦૧/૧૧/૨૦૨૫ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર આયોજિત રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન 'યુનિટી માર્ચ' અંતર્ગત વિધાનસભા સ્તરની પદયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, અધ્યક્ષ, પદયાત્રા કમિટી, ચોટીલાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સ્થાનિક કોલેજના આચાર્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં આગામી ૧૧ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાનારી પદયાત્રાના રૂટની વિગતોને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. આ પદયાત્રા સવારે ૦૮:૩૦ કલાકે શ્રી કુંઢેશ્વર મહાદેવ મંદિર, કુંઢડા ગામથી લાખણકા ગામ સુધી (આશરે ૧૧ કિલોમીટર) યોજાશે. જોકે, રાષ્ટ્રીય પદયાત્રાનું મુખ્ય આયોજન સમગ્ર રાજ્યમાં ૨૬ નવેમ્બર, ૨૦૨૫ થી ૦૬ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન થવાનું છે.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ પદયાત્રાની સફળતા સુનિશ્ચિત કરવા માટે પર્યાવરણ અને વૃક્ષારોપણ: 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વિધાનસભા દીઠ સરદાર સ્મૃતિ વન ની સ્થાપના કરવામાં આવશે, જેમાં ૫૬૨ વૃક્ષો વાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સ્વચ્છતા અને સન્માન: પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર સાહેબ, ભગવાન બિરસા મુંડા તથા અન્ય રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈ તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું. પદયાત્રા પૂર્વે મુખ્ય જળ સ્ત્રોતો પાસે સામુહિક સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવશે. જનજાગૃતિ અને સ્વાસ્થ્ય: વ્યસનમુક્તિ અભિયાન ચલાવી પ્રતિજ્ઞા લેવડાવવી, યોગ અને આરોગ્ય શિબિરોનું આયોજન કરવું, અને લાભાર્થીઓ દ્વારા જાગૃતિ અભિયાન અને શેરી નાટકોનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્થાનિક સહભાગીતા: સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા તેમજ રૂટ સજાવટની સામગ્રી સ્થાનિક ઉત્પાદકો પાસેથી અને વેસ્ટમાંથી બેસ્ટ અભિગમથી સર્જિત હોય તેવા પ્રયાસો કરવા સૂચના અપાઈ હતી.
શૈક્ષણિક પ્રવૃત્તિઓ: શાળા/કોલેજના વિદ્યાર્થીઓ માટે MyGov.in પોર્ટલ પર એકતાના શપથ લેવા માટે પ્રોત્સાહિત કરવા. શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા અને 'સરદાર સાહેબને પત્ર' જેવી સ્પર્ધાઓનું આયોજન કરવાનું રહેશે.
વ્યવસ્થાપન: પદયાત્રાના રૂટની સફાઈ, મરામત, અને સુશોભન કરવાનું રહેશે. દર ૧ થી ૧.૫ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ, ચા-પાણી અને નાસ્તાના સ્ટોલની વ્યવસ્થા કરવાની રહેશે, જેનું યોગ્ય બ્રાન્ડિંગ થાય. ઉપરાંત ઓછામાં ઓછા ૨૦૦ રાષ્ટ્રધ્વજ અને નિયત કરેલ ગીતો વગાડવા માટે ડી.જે.ની વ્યવસ્થા રાખવા વિગતવાર સૂચનાઓ આપી હતી.





