તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે દિવેલા (એરંડા)ના ઊભા પાકમાં રોગચાળો ફેલાવવાની સંભાવના વધી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમના પાકને સંકલિત રોગ નિયંત્રણ દ્વારા સુરક્ષિત કરવા માટે નીચે મુજબના પગલાં લેવા જણાવાયું છે.
કમોસમી વરસાદના સમયગાળા દરમિયાન ખેડૂતોએ જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો. કારણ કે વરસાદમાં દવાઓની અસરકારકતા જળવાતી નથી. ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી મેન્કોઝેબ ૦.૨૫% પ્રમાણે ૨૫ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. ગ્રેમોલ્ડ રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી પ્રોપીકોનાજોલ ૧૦ મિ.લિ./૧૦ લિટર અથવા કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી અને વિગતવાર માર્ગદર્શન માટે ખેડૂતો તેમના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરી શકે છે તેમ વધુ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.


