ગાંધીનગર: વાજબી ભાવની દુકાન (Fair Price Shop - FPS) એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે તેમની પડતર કુલ-૨૦ માંગણીઓના સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિભાગ દ્વારા એસોસિએશનની માંગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો.
આવેદનપત્રમાં રજૂ કરાયેલી ૨૦ માંગણીઓ પૈકી, વિભાગે ૧૧ જેટલા મુદ્દાઓ પર સૈદ્ધાંતિક સહમતી દર્શાવી છે. આ હકારાત્મક નિર્ણયના પગલે, વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચનાઓ જારી કરવામાં આવી છે, જેથી આ મુદ્દાઓ પર વહેલી તકે કાર્યવાહી થઈ શકે.
આ બેઠકમાં ખાસ કરીને જાહેરહિત અને રાજ્યમાં પ્રવર્તમાન સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અગત્યનો નિર્ણય લેવાયો છે. NFSA (National Food Security Act) હેઠળ નોંધાયેલા ૩.૫ કરોડ જેટલા લાભાર્થીઓના હિતને સર્વોપરી ગણીને, વિભાગે બાકી રહેલા વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી પૂર્ણ કરવા અને નાણાંની ભરપાઈ કરવા માટે અનુરોધ કર્યો છે, જેથી આવશ્યક અનાજનું વિતરણ સત્વરે શરૂ થઈ શકે આ પગલું દુકાનદારોની સમસ્યાઓ હલ કરવા અને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને અસરકારક રીતે ચાલુ રાખવા માટે સરકારી તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

