ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અણધાર્યા પલટાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના ધરતીપુત્રોની પડખે મજબૂતીથી ઊભા રહેવાના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર "ત્વરાએ સમીક્ષા-સર્વે" કરીને ખેડૂતોને ઉદારતમ મદદ આપવા માટે પ્રતિબદ્ધ છે.
આ અસાધારણ સંજોગોમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓમાં થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે શરૂ કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે વળતર મળી રહે તે માટે ઝડપી કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.



