સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ અધિક્ષક (IPS) પ્રેમસુખ ડેલૂની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર SOG સ્ટાફે હથિયારધારાના ગુનાઓ શોધવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, એસ.ઓ.જી. સ્ટાફના પો.કોન્સ. સાહિલભાઇ મહમદભાઇ સેલતને મળેલી ખાનગી બાતમીના આધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે પ્રદર્શન કરતા એક ઇસમની તપાસ કરવામાં આવી હતી.
ત્યારે પુછપરછ દરમિયાન આ ઇસમનું નામ રાજુભાઈ ફુલાભાઈ બાવળીયા (ઉં.વ. ૨૮, ધંધો: પ્રા. નોકરી, રહે: લીંબાડા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) હોવાનું જણાયું હતું. હથિયાર બાબતે પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે તેણે એક લગ્ન પ્રસંગમાં ફોટો પડાવી તે ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.
એસ.ઓ.જી. દ્વારા આ ઇસમ વિરૂધ્ધ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25(1-B)a, 29(B), 30 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ બી.એચ. શીંગરખીયા, પીએસઆઈ એન.એ. રાયમા, પીએસઆઈ આર.જે. ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.


