વઢવાણની ઐતિહાસિક માધાવાવ ખાતે ભવ્ય દીપોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભરતનાટ્યમની ઝલક અને રંગોળી દ્વારા ઉજવણી
ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને ભવ્ય પર્વ, 'દિવાળી'ને યુનેસ્કો દ્વારા તેની 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' (Intangible Cultural Heritage - ICH)ની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સાર્થક અને સતત પ્રયાસો કર્યા છે, જેના પરિણામે આજે આપણી પરંપરા અને ઉત્સવપ્રિયતા વિશ્વમંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે.
દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશની આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિના અનુસંધાને, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારની સૂચના અનુસાર, તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો હેતુ વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરવાનો તેમજ આ ગૌરવશાળી ક્ષણને સમગ્ર રાજ્યમાં ઉત્સાહપૂર્વક આવકારવાનો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની સજાવટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગરમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી સુરેન્દ્રનગર, જિલ્લા વહીવટી તંત્ર તથા સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા વઢવાણની ઐતિહાસિક ધરોહર માધાવાવ ખાતે “ઇન્ટેન્જિબલ દીપાવલી"ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દીવડાઓ પ્રજ્વલિત કરી, અદભુત રંગોળીઓ બનાવી અને માધાવાવને ઝગમગતી રોશનીથી શણગારવામાં આવી હતી. વઢવાણ પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહીલ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગરનાં નૃત્યાંગના બંસી જાની દ્વારા ભરતનાટ્યમની ઝલક રજૂ કરીને આ ગૌરવની ક્ષણને દિવ્ય બનાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત, પ્રકાશસિંહ ગોહીલ તેમજ રીનાબા ખેર અને અલ્પાબા રાઠોડ દ્વારા અદભુત રંગોળીઓ બનાવવામાં આવી હતી. સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં હાજરીમાં આ ગૌરવની ક્ષણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે. આ નિર્ણય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસોનું પરિણામ છે.




