વિવિધ ક્ષેત્રની ૬ પ્રતિષ્ઠિત કંપનીઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત, કુલ ૨૫૦ જેટલા ઉત્સાહી ઉમેદવાર બહેનો થયા સહભાગી
સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને સ્વાવલંબી બનાવવા હેતુ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર અને જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે 'મહિલા સ્વરોજગાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસરશ્રી નીતિનભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને રોજગારલક્ષી વિવિધ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી એન.એચ. સોઢા અને એમ.પી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડી.આર. વજાણી દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. સાચા અર્થમાં દીકરીઓને સ્વાવલંબી બનાવવા માટે પ્રેરણાત્મક અને રોજગાર વિષયક માહિતી ખૂબ જ જરૂરી છે. વક્તાઓએ મહિલાઓ આર્થિક ઉપાર્જનમાં વધુમાં વધુ સહભાગી બને અને મહિલા થકી વિકાસ થાય તે બાબતને પરિપૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ મહિલા રોજગાર ભરતી મેળામાં વિવિધ ક્ષેત્રની ૬ પ્રતિષ્ઠિત કંપનીઓ નોકરીદાતા તરીકે હાજર રહી હતી. જેમાં મુખ્યત્વે ૧. પીપલ ટ્રી ફાઉન્ડેશન – સુરેન્દ્રનગર, ૨. ડ્રીમ વ્હીક્લસ પ્રા. લી. – વઢવાણ, ૩. નીલ એન્જીનીયરીંગ – સુરેન્દ્રનગર, ૪. ઇન્ડીયાના ઓપ્થાલ્મીક – વઢવાણ, ૫. એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યોરન્સ અને ૬. એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયા – સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ ભરતી મેળામાં કુલ ૨૫૦ જેટલા ઉત્સાહી ઉમેદવાર બહેનોએ ભાગ લીધો હતો, જેમાંથી ઉમેદવારોની પ્રાથમિક પસંદગી સ્થળ પર જ કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડીનેટર શ્રી જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર અને એમ.પી. શાહ કોમર્સ કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.




