બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન': ૨૦૩૦ સુધીમાં રાષ્ટ્રને બાળ લગ્ન મુક્ત બનાવવાનો સરકારનો લક્ષ્યાંક:બાળ લગ્ન એ એક ગંભીર બિન-જામીનપાત્ર કાયદાકીય ગુનો, કાયદામાં બે વર્ષ સુધીની સખત કેદ અને રૂ.૧ લાખ સુધીના દંડની જોગવાઈઓ:બાળ લગ્ન અટકાવવા નાગરિકોને અપીલ, તાત્કાલિક જાણ કરો અને સક્રિય સહયોગ આપો:બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, પોલીસ સ્ટેશન, ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮/૧૧૨ અને મહિલા હેલ્પ લાઇન ૧૮૧ને જાણ કરો
દેશભરમાંથી બાળ લગ્નની સામાજિક કુપ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' ની એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ઝુંબેશ અમલી કરવામાં આવી છે. આ અભિયાન 'બેટી બચાઓ બેટી પઢાઓ'ના સિદ્ધાંતોને અનુસરીને યુવા છોકરીઓને સશક્ત બનાવવા, તેમના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલનો મુખ્ય લક્ષ્યાંક 'બાળ લગ્ન નિષેધ અધિનિયમ, ૨૦૦૬'ના કડક અમલ અને વ્યાપક જાગૃતિ દ્વારા ૨૦૩૦ સુધીમાં ભારતને સંપૂર્ણપણે બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે, જેથી દરેક બાળકને તેના કાયદાકીય અને નૈતિક અધિકારો પ્રાપ્ત થાય અને તેમનું બાળપણ સુરક્ષિત રહે.
વર્તમાનમાં, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત' ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્નના દૂષણને સંપૂર્ણપણે દૂર કરવાનો અને તેના ભયાનક ગેરફાયદાઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો છે. જેમાં નાગરિકોને બાળ લગ્ન ન કરવવા અંગે જાગૃત કરવામાં આવે છે અને સમાજના તમામ વર્ગોના સક્રિય સહયોગથી આ સામાજિક દૂષણને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
બાળ લગ્ન એ માત્ર એક સામાજિક રિવાજ નથી, પરંતુ તે એક ગંભીર કાયદાકીય ગુનો છે. 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬' મુજબ, છોકરીના ૧૮ વર્ષ અને છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા સંજોગોમાં કરવામાં આવતા લગ્નો ગેરકાયદેસર ગણાય છે. આ કાયદાની જોગવાઈઓ સ્પષ્ટ છે કે, જો કોઈ વ્યક્તિ આવા બાળ લગ્ન કરાવે, તેનું સંચાલન કરે, અથવા તેમાં મદદગારી કરે, તો તે વ્યક્તિને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની સજા થઈ શકે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ ગુનો બિન-જામીનપાત્ર છે, જે તેની કાયદાકીય ગંભીરતા દર્શાવે છે. કાયદાની અજાણતા, શિક્ષણનો અભાવ અને દીકરીઓની જવાબદારીમાંથી વહેલા મુક્ત થવાની વિચારસરણી જેવા કારણોસર સમાજમાં બાળ લગ્ન થતા હોય છે, પરંતુ હવે કાયદાનું કડક પાલન અનિવાર્ય છે.
બાળ લગ્નના કારણે યુગલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અત્યંત નકારાત્મક અસરો થાય છે. નાની ઉંમરમાં લગ્ન થવાથી સગીર વયની બાળાઓમાં ગર્ભવતી થવાનું પ્રમાણ વધે છે, જેના પરિણામે અપરિપક્વ પ્રસુતિ, સગીર માતાના મૃત્યુનો ઊંચો દર, ગર્ભપાત કે મૃત શિશુ જન્મનું પ્રમાણ વધે છે. નવજાત શિશુઓમાં માંદગી, અશક્તિ, મૃત્યુ તેમજ મંદબુદ્ધિનાં બાળકોનું પ્રમાણ પણ વધવાની શક્યતા રહે છે, જે સમગ્ર પેઢીના વિકાસને અવરોધે છે. વધુમાં, બાળ લગ્ન બાળકની, ખાસ કરીને બાળકીની, સ્વતંત્રતાને રૂંધે છે અને નાની ઉંમરમાં જ તેમના પર કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારીઓ આવી પડે છે, જે સ્ત્રીઓ ઉપર ત્રાસ અને અત્યાચારને પણ વેગ આપે છે.
બાળ લગ્ન સંપૂર્ણ રીતે નાબૂદ થાય તે માટે જાગૃતિ અને સક્રિય સહયોગ આપવાની અપીલ કરતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી અજય મોટકાએ જણાવ્યું હતું કે, જો તમારા ધ્યાનમાં ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય કે થવાની તૈયારી હોય, તો નાગરિકોએ તાત્કાલિક તેની જાણ કરવી. જાણ કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર અથવા જે તે જિલ્લાનો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત, નજીકના પોલીસ સ્ટેશન, ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર ૧૦૯૮ અથવા ૧૧૨ અને મહિલા હેલ્પ લાઇન નંબર ૧૮૧ નો પણ સંપર્ક કરી શકાય છે. દરેક ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનોને પણ આ દૂષણ અટકાવવામાં મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે, જેથી ભારતના બાળકોનું બાળપણ સુરક્ષિત રહે અને ૨૦૩૦ સુધીમાં બાળ લગ્ન મુક્ત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે.


