રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સામે પ્રાકૃતિક ખેતી એક સચોટ વિકલ્પ:ઝેરમુક્ત ખેતી, મબલખ આવક: શૂન્ય ખર્ચમાં બમણો નફો મેળવતા ગુજરાતના ખેડૂતો:પર્યાવરણ અને સ્વાસ્થ્યના જતન સાથે ભાવિ પેઢી માટે ફળદ્રુપ જમીનનું નિર્માણ
ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં લીંબુ એ 'પીળું સોનું' ગણાય છે. સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લીંબુનું મોટાપાયે ઉત્પાદન થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સામે આવ્યા બાદ, હવે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. લીંબુના પાકમાં આ પદ્ધતિ માત્ર જમીનને જ નહીં, પણ ખેડૂતના ખિસ્સાને પણ સમૃદ્ધ બનાવી રહી છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન કઠણ અને બિનફળદ્રુપ બની રહી હતી. પ્રાકૃતિક ખેતી આ સમસ્યાનો કાયમી ઉકેલ છે. નિયમિતપણે જીવામૃત આપવાથી જમીનમાં અળસિયા અને હિતકારી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે. જીવામૃત જમીનમાં પડેલા સુષુપ્ત તત્વોને કાર્યરત કરી છોડના મૂળ સુધી પહોંચાડે છે, જેનાથી લીંબુના છોડનો કુદરતી વિકાસ થાય છે. જે રીતે મનુષ્ય માટે સંતુલિત આહાર જરૂરી છે, તેમ જીવામૃતથી પોષિત છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પરિણામે ફૂગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.
લીંબુના પાકમાં સૌથી મહત્વની બાબત તેની બાહ્ય સુંદરતા અને અંદરનો રસ છે. આ માટે નવબીજાંકુર અર્ક (નવ પ્રકારના અનાજને ફણગાવીને બનાવેલો અર્ક) આશીર્વાદરૂપ સાબિત થયો છે. જ્યારે ફળ પરિપક્વતા પર હોય ત્યારે આ અર્કનો છંટકાવ કરવાથી લીંબુની છાલ પર કુદરતી તેજ આવે છે. રાસાયણિક દવાઓ વગર જ ફળનો રંગ ઘેરો પીળો અને આકર્ષક બને છે. આ અર્ક ફળને જરૂરી હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ પૂરા પાડે છે, જેનાથી લીંબુનું કદ વધે છે અને ફળ વધુ વજનદાર બને છે. પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલા લીંબુમાં રસનું પ્રમાણ વધુ હોય છે અને તેની સુગંધ પણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
લીંબુના પાકને પાણીની જરૂર હોય છે, પરંતુ વધુ પડતા પાણીથી મૂળમાં સડો થઈ શકે છે. પ્રાકૃતિક ખેતીના બે સ્તંભો અહીં ખૂબ મદદરૂપ થાય છે. ઝાડની ફરતે સૂકો કચરો કે પાંદડા પાથરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને નીંદણ ઓછું થાય છે. વાપ્સા પદ્ધતિથી જમીનમાં હવા અને ભેજનું સંતુલન જળવાય છે. ઉનાળાના આકરા તાપમાં પણ લીંબુના ઝાડ સુકાતા નથી અને પાકને ટકાવી રાખે છે.
ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે પણ ખૂબ ફાયદાકારક છે. મોંઘા યુરિયા, ડીએપી કે રાસાયણિક જંતુનાશકોનો ખર્ચ શૂન્ય થઈ જાય છે. ખેતરની સામગ્રી ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટમાંથી જ ખાતર અને દવા બને છે. આજે ગ્રાહકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. કેમિકલ વગરના 'ઝેરમુક્ત' લીંબુની માંગ બજારમાં વધુ છે, જેના કારણે ખેડૂતોને સીધા વેચાણમાં અથવા ઓર્ગેનિક માર્કેટમાં દોઢાથી બમણા ભાવ મળે છે. પ્રાકૃતિક લીંબુ રાસાયણિક લીંબુની સરખામણીએ વધુ દિવસો સુધી તાજા રહે છે, જે વેપારીઓ અને ગ્રાહકો બંને માટે ફાયદાકારક છે. લીંબુની ખેતીમાં પ્રાકૃતિક અભિગમ અપનાવવાથી આપણે આપણી આવનારી પેઢીને ફળદ્રુપ જમીન અને શુદ્ધ પર્યાવરણ આપી શકીએ છીએ. આ પદ્ધતિ ખેતીને માત્ર વ્યવસાય નહીં, પણ પ્રકૃતિ સાથેનું જોડાણ બનાવે છે.
લીંબુના પાક પર પ્રાકૃતિક ખેતીની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જમીન સુધારે છે, પાણી બચાવે છે, ઉત્પાદન ખર્ચ ઘટાડે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળું ફળ આપે છે. રાજ્ય સરકારના પ્રોત્સાહન અને ખેડૂતોની મહેનતથી ગુજરાતના લીંબુ હવે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ટૂંકા ગાળાના નફાને બદલે લાંબા ગાળાના સાતત્યપૂર્ણ વિકાસ માટે પ્રાકૃતિક ખેતી એ જ શ્રેષ્ઠ માર્ગ છે.



