સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે સતત કડક દેખરેખ રાખવામાં આવે છે. જે અન્વયે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તથા ફૂડ સેફ્ટી ઓફિસર (FSO)ની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, લારી-ગલ્લા તથા નાના ફૂડ આઉટલેટ્સ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મયંક નાસ્તા હાઉસ, પતરાવાડી, ચામુંડા ભેળ સેન્ટર, કે લાલ દાબેલી એન્ડ ફાસ્ટ ફૂડ, ખોડીયાર છોલે ભટુરે, અન્નપૂર્ણા ભેળ પકોડી અને આસ્તા ફૂડ એન્ડ કોલ્ડ્રીંક્સ સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ભજીયા, બેસન, પાણીપુરીનું પાણી, મસાલા સિંગ, સબ્જી, સેવ, ફુદીનાની ગાંઠિયા, ખમણ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૧૫ નમૂના જેટલા ફૂડ સેફ્ટી લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખાદ્ય પદાર્થમાં અનિયમિતતતા કે અસુરક્ષિત ઘટક મળી આવશે તો સંબંધિત વેન્ડર કે વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમો આવનારા દિવસોમાં પણ આવા તપાસ અભિયાન ચાલુ રાખશે.




