થાનગઢ,નાયબ કલેક્ટર ચોટીલા, એચ.ટી. મકવાણા, અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે આકસ્મિક દરોડો પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. થાનગઢ તાલુકાના ખાખરાળી ગામની સરકારી સર્વે નંબર ૩૫૬ તેમજ ખાનગી માલિકીના સર્વે નંબર ૩૫૮, ૩૫૭, ૩૫૯ વાળી જમીનમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર આ દરોડો પાડવામાં આવ્યો હતો.
સ્થળ પરથી ૧૫ ગેરકાયદેસર કોલસાના કુવાઓ મળી આવ્યા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કુલ ૧૦,૮૦,૦૦૦(દસ લાખ એંશી હજાર)ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૧૨૦ મેટ્રિક ટન કોલસો, ૧૫ ચરખી, અને ૧૫ બકેટનો સમાવેશ થાય છે.
ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા ખાખરાળી અને થાનગઢ ગામના રહેવાસી ૬ (છ) ઈસમો (જીવણભાઈ હામાભાઈ ભરવાડ, જાગાભાઈ રાહાભાઈ ભરવાડ, અમરશીભાઈ સવજીભાઈ, ગોરધનભાઈ સવશીભાઈ, સુનિલભાઈ મનુભાઈ ભરવાડ, અને મનુભાઈ ભરવાડ) સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ તમામ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ (જમીન પચાવી પાડવા) અને તડીપાર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રના કડક વલણનો સંકેત આપે છે.
ત્યારે આજુબાજુના વિસ્તારમાં મજૂરો માટે ઊભી કરાયેલી ૭ (સાત) કોલોની માંથી ૭૯ઝૂંપડાઓ મળી આવ્યા હતા, જેમાં મધ્યપ્રદેશ અને દાહોદના પરપ્રાંતીય મજૂરો રહેતા હતા. અધિકારીઓએ આ મજૂરોને આવી જોખમી કામગીરી ન કરવા સમજૂત કરીને તેમના વતન તરફ રવાના કર્યા હતા.


