પર્યાવરણ સંરક્ષણ અને શહેરને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાના હેતુસર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વિવિધ વેપારી વિસ્તારોમાં અચાનક રેડ પાડી હતી.
આ રેડ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક (એક વખત વાપરી ફેંકી દે તેવા પ્લાસ્ટિક)નો ઉપયોગ કરતા તેમજ ગંદકી ફેલાવતા દુકાનદારો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો રાખનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. ૬૫,૦૦૦ (પાંસઠ હજાર રૂપિયા)નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, સાથે જ આશરે ૫૦૦ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, “સરકારના નિયમોને અનુસરીને શહેરને પ્લાસ્ટિક-મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે આવી કાર્યવાહીઓ નિયમિત ચાલુ રહેશે. નાગરિકો અને વેપારીઓને વારંવાર જાગૃત કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં જે વેપારીઓ નિયમોનું પાલન નહીં કરે તેમની સામે સતત કડક પગલાં લેવામાં આવશે.”
મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો તેમજ વેપારી વર્ગને અપીલ કરવામાં આવી છે કે તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પૂર્ણપણે બંધ કરી, કાપડની થેલી, કાગળની થેલી કે અન્ય પર્યાવરણ-મૈત્રી વિકલ્પો અપનાવે, જેથી આપણું સુરેન્દ્રનગર ખરેખર સ્વચ્છ અને હરિયાળું શહેર બની શકે.



