સુરેન્દ્રનગર મહાનગરના દુધરેજ પૂલના નવિનીકરણ કાર્યની રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પુલના નવિનીકરણની ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી અને કામની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ તકે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે પૂલના નવિનીકરણનું કામ પૂરજોશમાં અને ઉત્તમ ગતિમાં ચાલી રહ્યું છે, જે ખૂબ જ નજીકના દિવસોમાં પૂર્ણ થવાની દિશામાં છે. આ કામગીરી પૂર્ણ થતાં જ નગરજનોને ફરી વખત સુરક્ષિત અને સુવિધાજનક આવન-જાવનની સવલત પ્રાપ્ત થશે.
આ ઉપરાંત તેમણે પી.જી.વી.સી.એલ.દ્વારા હાથ ધરવામાં આવેલી વીજ તારોને અંડરગ્રાઉન્ડ કરવાની મહત્વપૂર્ણ કામગીરીની પણ સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી. મકવાણાએ ઉમેર્યું હતું કે આ કાર્ય પૂર્ણ થયા બાદ શહેર વધુ સુંદર, સુરક્ષિત અને આધુનિક માળખાવાળું બનશે. અંતે તેમણે સુરેન્દ્રનગરના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર સતત પ્રતિબદ્ધ હોવાની ખાતરી આપી હતી.




