સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના સહયોગથી પર્યાવરણ સંરક્ષણ તથા કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપનના ઉદ્દેશ્ય સાથે ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં બે અત્યાધુનિક RRR (Reduce-Reuse-Recycle) સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનનું RRR સેન્ટર વેપારી મંડળના દવાખાના પાસે જ્યારે દક્ષિણ ઝોનનું સેન્ટર ગંગાવાવ સામે આવેલું છે.
આ સેન્ટરોનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક તથા અન્ય કચરાનો ઉપયોગ ઘટાડવો, વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે સાથે શહેરી સ્વચ્છતા જાળવવી તેમજ જરૂરિયાતમંદ નાગરિકોને મદદરૂપ થવું પણ આ યોજનાનો મહત્વનો ભાગ છે. આ સેન્ટરોમાં ઘરમાં વપરાશમાં ન આવતી વસ્તુઓ જેવી કે જૂનાં કપડાં, રમકડાં, પુસ્તકો, ઘરવખરીની વસ્તુઓ વગેરે જમા કરાવી શકાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ સેન્ટરની મુલાકાત લઈને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ મેળવી શકે છે.
આ યોજનાની સફળતાનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું જ્યારે વોર્ડ નં. ૪ના RRR સેન્ટરમાં એક નિરાધાર બાળકે મુલાકાત લીધી હતી. શહેરીજનો દ્વારા જમા કરાવવામાં આવેલાં જૂનાં રમકડાંમાંથી તે બાળકને એક સુંદર રમકડું આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું, આ સાથે જ તેને જરૂરી કપડાં પણ પુરા પાડવામાં આવ્યાં હતા. આ ઘટનાએ શહેરીજનોના સહયોગથી ચાલતી આ યોજના કેવી રીતે સમાજના દરેક વર્ગને લાભ પહોંચાડી રહી છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તમામ નાગરિકોને અપીલ કરે છે કે, ઘરમાં નકામી થઈ ગયેલી વસ્તુઓને કચરાપેટીમાં નાખવાને બદલે RRR સેન્ટરમાં જમા કરાવી પર્યાવરણ સંરક્ષણ તથા જરૂરિયાતમંદોની મદદમાં ભાગીદાર બને, અને સુરેન્દ્રનગરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સંવેદનશીલ શહેર બનાવવાની આ પહેલમાં સહભાગી બને.


