સુરેન્દ્રનગર: ઝાલાવાડની જીવાદોરી સમાન વઢવાણની સુરસાગર ડેરી, જે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 50મી વાર્ષિક સાધારણ સભા લીંબડીમાં યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં પશુપાલકો, સંગઠનના હોદ્દેદારો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડેરીના વિકાસ અને પશુપાલકોના કલ્યાણ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ સાધારણ સભાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોના વારસદારોને મરણોત્તર સહાયના ચેકનું વિતરણ કરવાનો હતો. જે ડેરીની સામાજિક જવાબદારી અને પશુપાલકો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સહાય ચેકનું વિતરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહજી રાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડેરીના ચેરમેન નરેશભાઈ મારૂ અને પૂર્વ ચેરમેન બાબાભાઈ ભરવાડ જેવા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ સુરસાગર ડેરીની પ્રગતિ અને પશુપાલકોના ઉત્કર્ષ માટે ચાલી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે સહકાર અને સંગઠનની ભાવનાથી ડેરીને વધુ ઊંચાઈ પર લઈ જવાની વાત કરી હતી. જેમાં તેમને ડેરીના વિકાસની પ્રવૃત્તિઓથી અવગત કરાવી અને તેમની સાથે સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવ્યો હતો.





