સુરેન્દ્રનગર: મહાનગરપાલિકાના સહયોગથી નવનાત વણિક સમાજે પર્યાવરણની સુરક્ષા માટે એક અનોખી પહેલ કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવી કાપડની થેલીઓનો વપરાશ વધારી પ્રદૂષણ ઘટાડવાનો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. આ પ્રોજેક્ટના શુભારંભ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે (IAS) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નવોદિત ગાયક સરફરાઝ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ નવનાત વણિક સમાજના જિલ્લા પ્રમુખ પરિમલ મોદી, ઉપપ્રમુખ કે.કે. ભાવસાર, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠનના કાર્યકારી મંત્રી અમિત શાહ, મંત્રી અતુલ શેઠ, કો-ઓર્ડિનેટર મનીષ શાહ, લેડીઝ વિંગ પ્રમુખ સોનલબેન પટણી અને અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ઈનર હીલ લેડીઝ ક્લબના પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નાબેન પંડ્યા, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ તુરખિયા, જૈન અગ્રણી કિશોરભાઈ કુવાડિયા, સી.જે. હોસ્પિટલના મંત્રી શૈલેષભાઈ શાહ, નવનાત વણિક સમાજના ટ્રસ્ટી અને પ્રાંત ગ્રાહક સુરક્ષા પરિષદના મંત્રી વૈભવભાઈ ચોકસી, ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંતભાઈ શાહ અને જિલ્લા પ્રમુખ પરિમલ મોદીનો સમાવેશ થાય છે.
નવનાત વણિક સમાજના જિલ્લા પ્રમુખ પરિમલ મોદીએ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સમજાવ્યો હતો. જાણીતા લોકસાહિત્યકાર કિરીટદાન ગઢવીએ ઝાલાવાડની ધરતી અને વણિક સમાજની સેવાની પ્રશંસા કરી હતી. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દિનેશભાઈ તુરખિયાએ શહેરમાં પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગથી થતા પ્રદૂષણ અને કચરાની સમસ્યા અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વઢવાણ પાંજરાપોળના પ્રમુખ પરેશભાઈ શાહે પ્લાસ્ટિકથી પશુ-પક્ષીઓ અને પર્યાવરણને થતા નુકસાન વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન પાંચ લાખ રૂપિયાના ખર્ચે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવશે.
નવનાત વણિક સમાજના ટ્રસ્ટી વૈભવભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે, સેલ્ફ ફાઇનાન્સ જિલ્લા સ્કૂલ એસોસિએશનના સહયોગથી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના ગેરફાયદા વિશે જાગૃત કરવા માટે સેમિનારો યોજવામાં આવશે. આર્ટ ઓફ લિવિંગના જયદીપભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યાં પણ કાર્યક્રમો યોજશે ત્યાં પ્લાસ્ટિક જાગૃતિનો સંદેશો આપશે.
કાર્યક્રમના અંતમાં, કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણેએ નવનાત વણિક સમાજની આ પહેલને બિરદાવી હતી અને સુરેન્દ્રનગર શહેરના વિકાસ, નવીનીકરણ અને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગેની સરકારની નીતિઓ વિશે માહિતી આપી હતી. અંતમાં, ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંતભાઈ શાહે તમામ સહભાગી સંસ્થાઓ, મહાનુભાવો અને પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.


