સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા. ૮ ઓગસ્ટ સુધી "નારી વંદન સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જ્ઞાન સરિતા વિદ્યાલયમાં ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોન્સ્ટેબલ સોનલબેન પરમાર અને ૧૮૧ અભયમના કાઉન્સેલર પાયલબેન દ્વારા વિધાર્થીઓને ૧૮૧ મહિલા હેલ્પલાઈન અને ૧૮૧ એપ્લિકેશનની વિગતવાર માહિતી આપીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન થઈ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નારીઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે, સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર સુરેન્દ્રનગરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “નારી વંદન" સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.



