સુરેન્દ્રનગર જિલ્લામાં સારા વરસાદને પગલે ખરીફ પાકોનું વાવેતર શરૂ થઈ ગયું છે, જેના કારણે ખેડૂતો દ્વારા ખાતરની ખરીદીમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ વિસ્તારોમાં દરેક પ્રકારના ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ‘કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કંટ્રોલ રૂમ કચેરીના કામકાજના દિવસો દરમિયાન સવારે ૮.૦૦ કલાકથી સાંજના ૮.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડી.એ.પી.,એન.પી.કે. વગેરેની ખરીદીમાં અને અન્ય પ્રકારની ખેત, સામગ્રી ખાતરોનું ફરજીયાત ખરીદી કરવા દબાણ કરવામાં આવે તો તેની રજુઆત પણ કંટ્રોલ રૂમમાં કરી શકાશે. વધુમાં, જિલ્લામાં ખાતરની અછત જેવી કોઈ બાબત નથી,જેથી કરીને દરેક ખેડુતોએ ખોટી અફવામાં આવવું નહી. હાલમાં જરૂરીયાતથી વધારે બીન જરૂરી જથ્થો ખરીદી કે સંગ્રહ ન કરવા પણ નાયબ ખેતી નિયામક, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત, ખાતરની રજુઆત કે ફરીયાદ નિવારણ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, ટી.વી.સ્ટેશન રોડ, ખેડુત તાલીમ કેન્દ્રની બિલ્ડીંગ, સુરેન્દ્રનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના નંબર ૦૨૭૫૨ ૨૮૪૪૭૭ છે. ભારત સરકાર દ્વારા પણ ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ કંટ્રોલ રૂમ નંબર ૦૧૧ ૨૩૦૭૪૭૦૭ પણ જાહેર કર્યો છે. તેમજ આવી રજુઆત તાલુકા કક્ષાએ પણ સબંધિત તાલુકાના ખેતી અધિકારીશ્રીને કરી શકાશે, તેમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.


