સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 08/08/2025 સુધી “નારી વંદન સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે, આજે સપ્તાહના બીજા દિવસે લખતર તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી વી. એસ. શાહે પ્રેરક ઉદબોધન કરી, દીકરીઓના શિક્ષણ અને સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર શ્રી જલ્પાબેન ચંદેશરાએ શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમની રૂપરેખા વિશે વિગતવાર માહિતી આપી હતી. બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર શ્રી જોલીબેનએ પોકસો એક્ટ અંગે વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
જેન્ડર સ્પેશિયાલિસ્ટ શૈલેષભાઈ જેસડીયાએ વ્હાલી દીકરી યોજના, પૂર્ણા યોજના, બાલિકા પંચાયત જેવી દીકરીઓના ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત, 181 અભયમના કાઉન્સેલર શ્રી શીતલબેને 181 હેલ્પલાઈનની કામગીરી અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી.રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે આયોજિત આ સપ્તાહનો ઉદ્દેશ મહિલાઓ અને બાલિકાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવી, તેમને સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવવાનો છે. આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લામાં સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય જેવા મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખીને “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે.





