મેળાનાં આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલનાં અધ્યક્ષસ્થાને તરણેતર ખાતે પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન યોજાનાર વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ તરણેતરના લોકમેળા માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ થઈ ગયું છે. ત્યારે, આજે તરણેતર ખાતે મેળાની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેળાનાં આયોજન સાથે સંબધિત અધિકારીશ્રીઓ/ગ્રામ પંચાયતના પદાધિકારીશ્રીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરતા કલેકટરશ્રીએ તરણેતરનો ભાતીગળ લોકમેળો પોતાની ઓળખ સાચવે એ દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણે એ રીતે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન સુચના આપ્યા હતા. વધુમાં, તેમણે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને કામની વહેંચણી કરી જરૂરી દિશાનિર્દેશો કર્યા હતા. મેળામાં મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીશ્રીઓની સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને કલેકટરશ્રીએ આયોજન સંબંધી વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી.
મેળામાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિયત બેરિકેટિંગ, તરવૈયાઓની ટીમો સહિતની વિસ્તૃત વ્યવસ્થાઓનું આયોજન
મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે અને સાચા અર્થમાં લોકમેળો બની રહે તેમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી., ડ્રોન કેમેરા, વોચટાવર અને પાર્કિંગમાં પણ લાઈટની વ્યવસ્થા ગોઠવી કંટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે.
જિલ્લા કલેકટરશ્રીએ રસ્તા, ટ્રાફિક, સ્ટોલ, પાણી, રમત-ગમત, કાયદો અને વ્યવસ્થા, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સહિતનાં સુચારૂ આયોજન સંદર્ભે માર્ગદર્શન-સૂચના આપ્યા
કલેકટરશ્રીએ મેળાને ધ્યાનમાં રાખીને મેળાનું મેદાન, તરણેતર જતા વિવિધ રસ્તાઓનું યોગ્ય સમારકામ, મેળાનાં દિવસો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બસનાં રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ-મેળાનાં મેદાનની સફાઈ, સ્ટેજ રીનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાનાં પાણી-શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ-એમ્બ્યુલન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવતા તેમણે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી., ડ્રોન કેમેરા, વોચટાવર અને પાર્કિંગમાં પણ લાઈટની વ્યવસ્થા ગોઠવી કન્ટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે
આ ઉપરાંત, મેળામાં દુર્ઘટના નિવારવા માટે બેરિકેટિંગ, તરવૈયાઓની ટીમ સહિતની જરૂરી વ્યવસ્થા કરવા તેમણે વિગતવાર સૂચનો કર્યા હતા. મેળામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન, પશુ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી. તરણેતરનાં મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્ટોલધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવા તેમણે જણાવ્યું હતું.
તરણેતર ખાતે યોજાયેલી બેઠકમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ.યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝા, પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણા સહિત તરણેતર સરપંચશ્રી સહિતના સ્થાનિક અગ્રણીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






