સુરેન્દ્રનગર, સાયલા: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા ગામે આવેલી આંગણવાડીની જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે આંગણવાડીના બાળકો સાથે સ્નેહપૂર્વક વાર્તાલાપ કર્યો હતો અને તેમના શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી.
આ ઉપરાંત, ડીડીઓશ્રીએ બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરી હતી. તેમણે ભોજન અંગે આંગણવાડી વર્કરો સાથે ચર્ચા કરી અને પોષણયુક્ત આહારના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ મુલાકાત દરમિયાન, શ્રી યાજ્ઞિકે આંગણવાડીના વિવિધ રજીસ્ટરો પણ તપાસ્યા હતા અને તેની યોગ્ય જાળવણી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે આંગણવાડી વર્કરોને બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ સક્રિય અને સમર્પિત બનીને કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાતથી આંગણવાડીના સ્ટાફમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.




