મુળી તાલુકાના વેલાળા (ધ્રા) ગામે અનુસૂચિત સમાજ દ્વારા દફનવિધિ માટે જગ્યાની અછત અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગામમાં અનુસૂચિત સમાજની વસ્તી નોંધપાત્ર છે અને વર્ષોથી તળાવની પાળે દફનવિધિ કરવામાં આવે છે. પરંતુ, હાલ આ જગ્યા નાની પડી રહી છે, જેના કારણે ખોદકામ દરમિયાન અગાઉ દફન થયેલા લોકોના અસ્થિઓ બહાર આવી રહ્યા છે. આ પરિસ્થિતિથી સમાજના લોકોમાં ભારે વ્યગ્રતા જોવા મળી રહી છે.
આ મુદ્દે ગામના આગેવાનો ભરતભાઈ રાઠોડ, વીરાભાઈ, રામજીભાઈ અને નાનજીભાઈ સહિતનાઓએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તળાવની પાળ પર માટીકામ કરીને થોડી વધુ જગ્યા ફાળવવામાં આવે. આ ઉપરાંત, સ્નાન ઘાટ અને વિસામો (બેસવાની જગ્યા) પણ બનાવવામાં આવે, જેથી અંતિમ સંસ્કારની વિધિઓ યોગ્ય રીતે અને સન્માનપૂર્વક થઈ શકે. આ રજૂઆતને પગલે તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.


