ગુજરાત રાજ્ય નિવૃત્ત વન અધિકારી મંડળ દ્વારા સ્વૈચ્છિક વનીકરણ લોક ઝુંબેશના ભાગરૂપે પાટડી તાલુકાના વડગામ ખાતે, વડગામ હાઈસ્કૂલ પરિસરમાં ધારાસભ્ય શ્રી પી.કે.પરમારના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંબોધન કરતાં ધારાસભ્ય શ્રી પી. કે. પરમારે જણાવ્યું હતું કે, પાટડી-દસાડાના ખારાપાટ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા નજીવી છે. રણના વિસ્તારને આગળ વધતો અટકાવવા વૃક્ષોનું વાવેતર અત્યંત આવશ્યક છે. દરેક ગામમાં વસ્તીની સંખ્યા જેટલાં વૃક્ષો વાવવાની હાકલ કરી વડાપ્રધાનશ્રીના “એક પેડ માં કે નામ” અભિયાનને સફળ બનાવવા સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. વડગામ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના વૃક્ષારોપણ પ્રયાસોની પ્રશંસા કરતાં તેમણે નિવૃત્ત વન અધિકારી મંડળની પર્યાવરણલક્ષી આ પહેલ માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
નિવૃત્ત નાયબ વન સંરક્ષક એચ. કે. રબારીએ સરકારની વનનીતિ અને વર્તમાન પર્યાવરણીય પરિસ્થિતિ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષોની સંખ્યા ઓછી હોવાથી આ ઝુંબેશ માટે આ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. તેમણે સૌને આ પર્યાવરણીય ઝુંબેશનો હિસ્સો બનવા અપીલ પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ૨૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણના મહત્વને રેખાંકિત કરતી એક પ્રેરણાદાયી પહેલ સાબિત થઈ હતી.
આ કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક શ્રી મનીષભાઈ આડેદેરા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સર્વશ્રી સાલરા, સોલંકી, અગ્રણી સર્વેશ્રી ખેંગારબા, નારણબા, નાનુબા, રમેશભાઈ, પ્રકાશભાઈ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, ટ્રસ્ટીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી દિલીપભાઈ વાઢેર, સરપંચશ્રી, વન વિભાગના કર્મચારીઓ શ્રી વિષ્ણુભાઈ મકવાણા, સતીષભાઈ, રવિભાઈ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.



