છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા ૨૦ જેટલા ‘માટી મૂર્તિ મેળાઓ’નું સફળ આયોજન: કારીગરોને રૂ. ૧.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

0
કારીગરોને મૂર્તિના ઉત્પાદન માટે ૫૦ ટકા સબસિડીથી ‘રેડી ટુ યુઝ’ માટી, મેળામાં વિનામૂલ્યે વેચાણ માટે સ્ટોલ તથા પ્રતિ દિન રૂ. એક હજાર લેખે મેળા સહાય
પર્યાવરણ સંરક્ષણની સાથે પ્લાસ્ટર ઓફ પેરિસ-POPની મૂર્તિઓથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા તેમજ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓના કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દર વર્ષે ‘માટી મૂર્તિ મેળા’નું સફળ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ગણેશોત્સવ દરમિયાન ૨૦ જેટલા મેળાઓમાં કુલ ૧,૭૦૨ કારીગરો દ્વારા રૂ. ૧૫.૫૧ કરોડની માટીની મૂર્તિઓનું વેચાણ કરવામાં આવ્યું છે. આ મેળાઓના સફળ આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧.૫૧ કરોડથી વધુની સહાય પણ ચૂકવવામાં આવી છે.  
કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શનમાં રાજ્યના હરિયાળા ભવિષ્ય માટે ચાલુ વર્ષે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં વિવિધ પાંચ સ્થળોએ વેચાણ માટે ‘માટી મૂર્તિ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્થામાં નોંધાયેલા માટી મૂર્તિકારોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવણી તેમજ મેળા સહાય આપવામાં આવશે. જે અંતર્ગત ચાલુ વર્ષે અત્યારસુધીમાં રાજ્યના કુલ ૩૯૦ કારીગરોને અંદાજે ૨૩૧ ટન ‘રેડી ટુ યુઝ’ માટીનું વિતરણ કરવામાં આવ્યું છે.  
રાજ્ય સરકારની ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટીના મૂર્તિકારોની પ્રોત્સાહન યોજના અન્વયે સંસ્થામાં નોંઘણી થયેલા કારીગરોને મૂર્તિના ઉત્પાદન માટે ૫૦ ટકા સહાયથી ‘રેડી ટુ યુઝ’ માટી આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ‘માટી મૂર્તિ મેળા’માં પ્રોત્સાહનરૂપે વિનામૂલ્યે વેચાણ માટે સ્ટોલ તથા કારીગરોને પ્રતિ દિન રૂ. ૧,૦૦૦ લેખે મેળા સહાય પણ ચૂકવવામાં આવે છે.
નાગરિકોમાં માટીની મૂર્તિના ઉપયોગ અંગેની  જનજાગૃતિ માટે આ સંસ્થા દ્વારા વિવિધ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત હોર્ડિંગ્સ, ટીવી ક્વિકી, રેડિયો ઝિંગલ્સ અને ડિજિટલ મીડિયાના માધ્યમ દ્વારા ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓના ઉપયોગનો સંદેશ દૂર દૂર સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓમાં જીવંત નિદર્શન દ્વારા પરંપરાગત કારીગરી અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની સમજને પ્રોત્સાહન મળે તે માટે યુવા પેઢીને પણ જોડવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યમાં માટીની મૂર્તિના ઉપયોગ અંગેની જાગૃતિમાં સતત વધારો થયો છે. 
ચાલુ વર્ષે તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં કુલ ૫ સ્થળોએ વેચાણ માટે ‘માટી મૂર્તિ મેળા’નું આયોજન:અત્યારસુધીમાં ’માટી મૂર્તિ મેળા’માં કુલ ૧,૭૦૨ કારીગરો દ્વારા રૂ. ૧૫.૫૧ કરોડની માટીની મૂર્તિઓનું વેચાણ:POPની મૂર્તિઓથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા સરકાર કટિબદ્ધ
સ્ટોલ મેળવવા માટેની વિગત:
કારીગરો માટે માટી અને વેચાણના સ્ટોલ મેળવવા સંસ્થા દ્વારા બહોળી પ્રસિદ્ધિ ધરાવતા વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવે છે. આ જાહેરાતમાં દર્શાવેલા નિયત સમયગાળા દરમિયાન લાભાર્થીઓએ ઈ-કુટીર પોર્ટલ https://e-kutir.gujarat.gov.in/ પર અરજી કરી નોંધણી કરવાની રહે છે. વધુ વિગતો માટે કચેરીના ટેલિફોન નં. ૦૭૯-૨૩૨૫૧૬૮૧-૫૭ પર સંપર્ક કરવા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનની યાદીમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪-૧૫ સુધીમાં રાજ્યમાં ગણેશોત્સવ દરમિયાન મહદઅંશે પ્લાસ્ટર ઓફ પેરિસ- POPની મૂર્તિઓનું જ સ્થાપન અને વિસર્જન કરવામાં આવતું હતું. આ POPને તેમાં રહેલા જિપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશ્યમ જેવા તત્વોના કારણે પાણીમાં ઓગળવા માટે ખૂબ સમય લાગે છે, તેમજ નદી, તળાવ અને દરિયાના પાણીને ઝેરી બનાવે છે. આ ઉપરાંત મૂર્તિના સુશોભન માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક રંગોમાં મરક્યુરી, લીડ, કેડમિયમ અને કાર્બનની ઉપસ્થિતિના કારણે પણ પાણીના કુદરતી સ્ત્રોતને ખૂબ નુકશાન પહોંચે છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને વર્ષ ૨૦૧૫-૧૬થી માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજનાનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top