સુરેન્દ્રનગરનો વિરાસત લોકમેળો-૨૦૨૫ આ વર્ષે શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાનાર છે. જેના મુખ્ય ગેટથી જ મેળામાં પ્રવેશ મળશે આથી મેળામાં આવનારા લોકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા શ્રી એમ.પી. શાહ કોલેજના મુખ્ય ગેટથી મેળામાં પ્રવેશ મળશે. વિદ્યાર્થીઓ માટે ડાબી બાજુનો ગેટ પ્રવેશ અને બહાર નીકળવા માટે રહેશે, જ્યારે જમણી બાજુ ઇમરજન્સી બહાર નીકળવા માટે ઉપયોગમાં લેવાશે.
VIP અને ઈમરજન્સી વ્યવસ્થા: કોલેજના પૂર્વ તરફના ચાલુ બાંધકામવાળા કોર્નર પર VIP પાર્કિંગ, VIP પ્રવેશ, ઈમરજન્સી બહાર નીકળવાની વ્યવસ્થા, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ રહેશે.
સામાન્ય વાહનો માટે પાર્કિંગ: કાર પાર્કિંગ માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ અને મહાત્મા ગાંધી હોસ્પિટલની પાછળનો ખુલ્લો ભાગ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભોગાવો નદીના નવા રિવરફ્રન્ટ પર પણ કાર પાર્કિંગની સુવિધા રહેશે. ટુ-વ્હીલર પાર્કિંગ માટે જે.એન.વી. સ્કૂલનું પાછળનું મેદાન અને નવા ફાયર સ્ટેશનની પૂર્વ બાજુનો ભાગ નિર્ધારિત કરાયો છે.
રસ્તાઓ બંધ: મેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે જે.એન.વી. સ્કૂલ રોડ અને ૬૦ ફૂટ રોડ મુવિંગ બેરીકેટીંગથી બંધ રહેશે, જોકે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સને અવરજવર માટે પરવાનગી મળશે.
વઢવાણ: ધરોહર લોકમેળા માટે પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા...
વઢવાણનો ધરોહર લોકમેળો-૨૦૨૫ પંજાબ નેશનલ બેંકથી દક્ષિણ તરફ ખાંડીપોળથી લાખુપોળ તરફના મુખ્ય ગેટ નં.-૧ ખાતે શરૂ થશે.
મુખ્ય પ્રવેશ: મેળામાં પ્રવેશ માટે મુખ્ય ગેટ નં.-૧ પરથી એન્ટ્રી-એક્ઝિટ બેરીકેટીંગ સાથે સુવ્યવસ્થિત રહેશે.
પાર્કિંગ વ્યવસ્થા: ધરમતળાવ ગાર્ડનથી રેલવે સ્ટેશન તરફ જતા રોડ પરના ખુલ્લા પ્લોટમાં ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
VIP અને ઈમરજન્સી: મેળાના ગ્રાઉન્ડની પશ્ચિમ તરફ અને રેલવે સ્ટેશનની પૂર્વ તરફ VIP પાર્કિંગ, VIP પ્રવેશ, ઇમરજન્સી બહાર નીકળવાની વ્યવસ્થા, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની સુવિધા રહેશે. રસ્તાઓ બંધ: મેળા દરમિયાન લાખુપોળ (ગેટ નં.-૪) રોડ અને ધરમતળાવ ગાર્ડનથી રેલવે સ્ટેશન તરફનો રોડ મુવિંગ બેરીકેટીંગથી બંધ રહેશે.
આ બંને મેળાઓમાં આવનારા હજારો મુલાકાતીઓ માટે સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હોવાનું મહાનગરપાલિકાની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


