વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના દીવ્યદર્શન સોસાયટીમાં રહેણાક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે એક ઇસમની લોકલ ક્રાઇમ બ્રાંચ, સુરેન્દ્રનગર દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચોરીમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ. 2,03,957 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષકશહ ડૉ. ગિરીશ પંડયા (IPS) દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
પેરોલ ફર્લો સ્કોડના પો. હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા અને પો. કોન્સ. અશ્વિનભાઈ માથુકીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, રતનપરના રહેવાસી હનિફ મહંમદભાઈ માણેકે વઢવાણ કાટસરની દીવ્યદર્શન સોસાયટીમાં ચોરી કરી છે અને તે ચોરીના દાગીના વેચવાની પેરવીમાં છે. બાતમીના આધારે પોલીસે વઢવાણ ફાટસર બાયપાસ રોડ દેવપાર્ટી પ્લોટ-૨ પાસેથી વોચ ગોઠવી ઉપરોક્ત ઇસમ હનિફ મહંમદભાઈ માણેકને સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત કુલ રૂ.2,03,957ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
આ કાર્યવાહીમાં એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડ, અને નેત્રમ કમાન્ડ કંટ્રોલના સ્ટાફે સહકાર આપ્યો હતો. પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરી બદલ પોલીસ ટીમની પ્રશંસા થઈ રહી છે.



