સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડયા (IPS) ની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નાબૂદ કરવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ કડક કાર્યવાહી હાથ ધરી છે. LCB પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ ઈન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઈન્સ. આર.એચ. ઝાલાની ટીમે ખાસ એક્શન પ્લાન હેઠળ જિલ્લાના હાઈવે રોડ પર પેટ્રોલીંગ શરૂ કર્યું હતું.
આ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસે અમદાવાદ-કચ્છ હાઈવે પરથી એક સફેદ કલરની ક્રેટા કાર (રજી.નં. GJ-31-N-3020) ને અટકાવી તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન, કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 1096 બોટલો, જેની કિંમત રૂ.4,13,200 થાય છે, અને 364 બીયર ટીન, જેની કિંમત ₹58,080/- થાય છે, મળી આવ્યા હતા. આમ, કુલ રૂ.4,71,280/મનો દારૂ અને ₹5,00,000ની કિંમતની ક્રેટા કાર મળીને કુલ રૂ.9,71,280નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે, LCB ટીમે ક્રેટા કારના ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે દારૂ અને કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં LCB ટીમના પો.હેડ.કોન્સ. યશપાલસિંહ રાઠોડ, દશરથભાઈ ઘાંઘર, પો.કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ, સંજયભાઈ પાઠક, મેહુલભાઈ મકવાણા અને વિજયસિંહ રાઓલ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.



