સુરેન્દ્રનગર: ગુજરાત સરકાર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટેના કાયદા, ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫માં સુધારા કર્યા બાદ, પોલીસ વિભાગે આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ઘરફોડ ચોરીઓ કરીને જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર એક ઈસમને પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS)ની સૂચના અને સુરેન્દ્રનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેકટર ડૉ. રાજેન્દ્ર એમ. પટેલ (IAS) અને નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયા (IPS)ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર જમીન કબ્જે કરનારા, ખંડણી ઉઘરાવનારા, અપહરણ, લૂંટ, મારામારી, દારૂ અને જુગાર જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ અસામાજિક તત્ત્વોને કડક હાથે ડામી દેવાનો છે.
આ જ સૂચનાને અનુસરીને, સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા વારંવાર ઘરફોડ ચોરીઓ કરીને સમાજમાં ભય ફેલાવનાર આરોપી રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા (ઉ.વ. ૨૨, રહે. વહાણવટીનગર, દુધરેજ, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને મંજૂર કરીને આરોપી રાહુલભાઈ સરવૈયા વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, LCB/પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી હતી. પાસા વોરંટની બજવણી બાદ આરોપીને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યો છે.


