નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ત્રિમંદિર, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૧૯માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરાવી હતી. આ યોજના હેઠળ, ૨ હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આપવામાં આવે છે.આજે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ અંતર્ગત PM-KISAN યોજનાનો ૨૦મો હપ્તો દેશભરના ખેડૂતોને આપવામાં આવશે. આ હપ્તામાં દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૦,૫૦૦ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવશે. રાજ્યના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત, ૨૦માં હપ્તા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૫૪,૩૧૮ ખેડૂતોને રૂ.૩૩.૫૩ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ મહોત્સવ હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીશ્રીઓ કૃષિ રથ દ્વારા રાજ્યના તમામ ગામોની મુલાકાત લઈ, ખેડૂતોને આધુનિક કૃષિ ટેક્નોલોજી અને તકનીકો અંગે માર્ગદર્શન આપે છે.સુરેન્દ્રનગર જિલ્લા વિશે આંકડાકીય માહિતી આપતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૮.૬૪ લાખ હેક્ટર જમીનમાંથી ૬.૩૨ લાખ હેક્ટર જમીન ખેતીલાયક છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે અને સિંચાઈ માટે નર્મદા નદીનું સૌથી વધુ પાણી પણ સુરેન્દ્રનગર જિલ્લાને મળે છે. ધોળીધજા ડેમ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે, જેના કારણે તેને સૌરાષ્ટ્રનું પાણિયારું કહેવાય છે. આગામી સમયમાં સૌની યોજના હેઠળ જિલ્લાના પાણીથી વંચિત તમામ ગામોને પાણી પૂરું પાડવામાં આવશે. ખેડૂતોને આધુનિક સાધનો અને ઉપકરણોની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે, જે ૨૦ વર્ષ પહેલાં અકલ્પનીય હતું. આમ સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને પહેલોના કારણે આજે ખેડૂતોનું જીવનધોરણ ઉંચું આવ્યું છે.નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે એ.જી.આર.૫૦ યોજના હેઠળ ટ્રેક્ટર મંજૂરી હુકમ, મીની ટ્રેક્ટર માટેના મંજૂરી હુકમ અને પાક સંગ્રહ યોજના અંતર્ગત ગોડાઉન તૈયાર કરવા માટેનો મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મુકેશ પરમાર, નાયબ બાગાયત નિયામક શ્રી મુકેશ ગાલાવાડીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરત પટેલ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.







