પાટડી: દસાડા વિધાનસભાના પાટડી ખાતે આવેલ કડવા પાટીદાર હૉલમાં પાટડી અને લખતર શહેર અને ગ્રામ્ય મંડળના શક્તિ કેન્દ્ર સંયોજકો માટે એક પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશિક્ષણ વર્ગના વાલી કમલેશભાઈ મીરાણી, મહામંત્રીઓ, જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ શક્તિ કેન્દ્રના સંયોજકોને સંગઠનના કાર્યો અને જવાબદારીઓ વિશે માર્ગદર્શન આપવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સંબોધન કરતાં જણાવ્યું કે, શક્તિ કેન્દ્ર એ પક્ષના સંગઠનનું મુખ્ય પાયાનું એકમ છે અને તેના સંયોજકોની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે સંયોજકોને પોતાના વિસ્તારમાં પક્ષની વિચારધારા અને સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવા અને લોકો સાથે સીધો સંપર્ક જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સંયોજકોને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રશિક્ષણ વર્ગના અંતે, ઉપસ્થિતોએ આયોજનને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

.jpeg)


