સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ (યુ.સી.ડી.) વિભાગે મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનને વેગ આપવા માટે એક અનોખી પહેલ કરી છે. નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન (એન.યુ.એલ.એમ.) યોજના અને સરકારશ્રીના અમૃત મિત્ર પ્રોજેક્ટ અંતર્ગત, શહેરના બે સ્વ-સહાય જૂથોને રીવરફ્રન્ટ ગાર્ડન અને ઉદ્યોગનગર ગાર્ડનના નોન-ટેકનિકલ મેઈનટેનન્સની જવાબદારી સોંપવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડી તેમને આર્થિક રીતે પગભર બનાવવાનો છે. એપ્રિલ-૨૦૨૫થી શરૂ થયેલી આ કામગીરી દ્વારા સ્વ-સહાય જૂથોની બહેનોને નિયમિત આવકનો સ્ત્રોત મળ્યો છે, જે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે.
મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરના બે મુખ્ય ગાર્ડન્સની સ્વચ્છતા અને જાળવણી સુનિશ્ચિત થઈ છે, સાથે સાથે મહિલાઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. આ પહેલ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપે છે કે સ્થાનિક સમુદાયના સહયોગથી શહેરના વિકાસમાં મહિલાઓ પણ સક્રિય ભૂમિકા ભજવી શકે છે.




