મુળી પોલીસ સ્ટેશન વિસ્તારના દાણાવાડા ગામે અલગ અલગ ત્રણ રહેણાક મકાનોમાં થયેલ અનડીટેકટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. સુરેન્દ્રનગર LCB એ ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.૪,૭૪,૪૮૦ ના ૧૦૦% મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાની સૂચનાને પગલે લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.ઝાલાની ટીમોએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડીટેકટ ગુનાઓનો ભેદ ઉકેલવા કામગીરી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન, પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથકીયાને ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલો વિનોદ ઉર્ફે ગોવિંદ ઉર્ફે ઇગ ઉર્ફે મગો ધીરૂભાઇ સરવૈયા (દેવીપૂજક) રહે દુધરેજ, સાત નાળા પાસે, સુરેન્દ્રનગર વાળો ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના વેચવાની પેરવીમાં છે.
આ બાતમીના આધારે, પોલીસે હેલીપેડના ગેટ પાસે વોચ ગોઠવી આરોપીને ₹૪,૭૪,૪૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ કાર્યવાહી માટે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.ઝાલા, પો.હેડ કોન્સ.અજયવીરસિંહ ઝાલા, ભુપતસિંહ રાઠોડ, યુવરાજસિંહ વાઘેલા, પો.કોન્સ.અશ્વિનભાઇ માથુકીયા, કપીલભાઇ સુમેરા, મહેન્દ્રભાઇ દાદરેસા અને મેહુલભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.


