સુરેન્દ્રનગર: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તા.૭ સપ્ટેમ્બર -૨૦૨૫ને રવિવારે ચોટીલા ખાતે ખેડૂતોના પ્રશ્નોને લઈને એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજર રહેવાના હતા. જીલ્લામા ભારે વરસાદ વરસતાં સભાના સ્થળ ચોટીલા માર્કેટિંગ યાર્ડ ખાતે પાણી ફરી વળ્યાં હતા. ગ્રાઉન્ડમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી અને ખેડૂતોની સલામતીને ધ્યાનમાં રાખીને આ સભાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ત્યારે ઉલ્લેખનીય છે કે જીલ્લાના પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ આ સભાને સફળ બનાવવા માટે ગામડે-ગામડે ફરીને ભારે જહેમત ઉઠાવી હતી. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા હતી. AAP દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે હવે આગામી દિવસોમાં સભા માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે.



