ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની સીધી સૂચના હેઠળ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવેલા મુખ્ય માર્ગોનું સમારકામ અને નવીનીકરણ ઝડપથી થઈ રહ્યું છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકો અને મુસાફરોને સલામત અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનો છે.
આ અભિયાન અંતર્ગત, સાયલા - સુદામડા - પાળીયાદ રોડ પર ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માર્ગ પરના ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ થતાં ટ્રાફિક વ્યવહાર સુચારુ બન્યો છે અને નાગરિકોને ઘણી રાહત મળી છે.



