સુરેન્દ્રનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે થયેલી મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરી થયેલો કુલ રૂ.40,000 નો મુદ્દામાલ, જેમાં ચાંદીના ઘરેણાં અને રોકડનો સમાવેશ થાય છે, તેની સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ, LCB એ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે ખાસ ટીમો બનાવી હતી. આ ટીમોને ચોક્કસ બાતમી મળી હતી કે જીવા ગામના બલદેવગીરી મહાદેવગીરી ગોસાઈએ ગામના મેલડી માતાના મંદિરમાં ચોરી કરી છે અને તે ચોરીનો મુદ્દામાલ વેચવાની પેરવીમાં છે.
બાતમીના આધારે, પોલીસે વોચ ગોઠવી અને આરોપી બલદેવગીરી ગોસાઈને ઝડપી પાડ્યો. તેની પાસેથી ચોરી થયેલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો, જેમાં રૂ.15,000 ની કિંમતના ચાંદીના 10 નાના-મોટા ઘરેણાં અને રૂ.25,000 ની રોકડનો સમાવેશ થાય છે. આમ, કુલ રૂ.40,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે પકડેલા આરોપીની ઓળખ બલદેવગીરી મહાદેવગીરી ગોસાઈ (રહે. જીવા, તા. ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર) તરીકે થઈ છે. પોલીસે આરોપી અને કબ્જે કરેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.
આ કામગીરીમાં LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલા અને તેમની ટીમના અન્ય પોલીસ કર્મચારીઓ સામેલ હતા. આ સફળ કામગીરી દ્વારા પોલીસે મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાને ઉકેલવામાં સફળતા મેળવી હતી.


