સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા માર્ગ પર એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક શિફ્ટ કાર ધડાકાભેર પલટી જતાં મુળી તાલુકાના દાધોળીયા ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતના દ્શ્યો એટલા હ્રદયવિદારક હતા કે સ્થળ પર હાજર લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા અને જોતજોતામાં જ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મૃતકોની ઓળખ બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા (ઉ.વ. 50), ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયા (ઉ.વ. 35) અને ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા (ઉ.વ. 45) તરીકે કરવામાં આવી છે. આ ત્રણેય વ્યક્તિઓ દાધોળીયા ગામના રહેવાસી હતા.જયારે ઝેઝરીયા રાજુભાઇ ગીધાભાઇ, ઝેઝરીયા હમીરભાઇ જેઠાભાઈ, ઝેઝરીયા ભાનુબેન હમીરભાઇ સહિતના ને ઈજાગ્રસ્ત થયા છે.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસે આ અકસ્માત સંદર્ભે ગુનો નોંધીને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકાળ અવસાન થતાં દાધોળીયા ગામ પર જાણે આભ તૂટી પડ્યું છે. આ દુઃખદ ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોક અને માતમનો માહોલ છવાઈ ગયો છે.(એશા પારેખ)



