સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને મુળી તાલુકાના ખેડૂતોને સતત બે-ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ભારે નુકસાન થયું છે. આ વિસ્તારોના ખેતરોમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને શાકભાજી જેવા તૈયાર પાકો સંપૂર્ણપણે પલળી જતાં ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ખેતી એ આ વિસ્તારના મહત્તમ ખેડૂતોનું મુખ્ય આજીવિકાનું સાધન હોવાથી પાકને થયેલા વ્યાપક નુકસાનથી તેઓ ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતોને પોતાના જીવનનિર્વાહ માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે અંગત ભલામણ કરી છે. ભલામણમાં માંગ કરવામાં આવી છે કે, વિભાગ દ્વારા સત્વરે સર્વે હાથ ધરીને અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવામાં આવે. ખેડૂતોના તૈયાર પાકને થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તો જ તેઓ આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે.


