વઢવાણ તાલુકાના ગોમટા ગામમાં એક ઘરના વાસ્તુ પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકો સહિત અંદાજે ૬૦ પણ વધુ લોકોની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ગોમટા ગામમાં યોજાયેલા વાસ્તુ પ્રસંગમાં મહેમાનોએ છાશ પીધા બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોને ઉલ્ટી, ચક્કર આવવા અને બેભાન થવા જેવી તકલીફો શરૂ થઈ હતી. સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ગ્રામજનોને લીંબડી, વઢવાણ અને આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા હતા!.
જ્યારે ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગે તાત્કાલિક ટીમો ગોમટા ગામમાં રવાના કરી હતી. સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ટીમોએ ગામમાં પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ટીમો દ્વારા ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે પાણી અને પ્રસંગમાં ઉપયોગમાં લેવાયેલા ખોરાકના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.
દર્દીઓની સ્થિતિહાલ તમામ બીમાર લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ગોમટા ગામના અન્ય ગ્રામજનોને પણ સાવચેતી રાખવા અને તબિયત બગડે તો તાત્કાલિક સારવાર લેવા માટે સાવચેતીના સૂચનો આપવામાં આવી છે. નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગના મૂળ કારણ પર વધુ સ્પષ્ટતા થશે તેમ જાણવા મળી રહ્યું હતું.



