વઢવાણ: શ્રી સદગુરૂ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર દિવાળીના પાવન પર્વ ધનતેરસના દિવસે જરૂરિયાતમંદ પરિવારો માટે એક ઉમદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૮/૧૦/૨૦૨૫ના રોજ પ્રજાપતિ સમાજની વાડી, વઢવાણ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ સમાજના ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંસ્થા દ્વારા વિતરણ કરાયેલી આ કીટમાં તેલ, લોટ, ચોખા, ગોળ, હળદર, ધાણા, જીરું, મરચું, ચા, ખાંડ, તુવેર દાળ, મગ દાળ સહિતની જીવનજરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ નિયમિતપણે ચલાવવામાં આવી રહી છે, જેના થકી અનેક પરિવારોને તહેવારની ખુશીમાં સહભાગી બનાવવામાં આવે છે. આ ઉપરાંત, સંસ્થા છેલ્લા ૨૫ વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનુ પણ વિતરણની પ્રવૃત્તિ પણ કરી રહી છે.
આ કાર્યક્રમનો શુભારંભ સાહિત્યકાર નટુભાઈ એલ. પરમાર દ્વારા મા-બાપના મહિમા અને જાગૃતિના ગીતો, દુહા અને ભજનોથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લીંબડીના ડી.વાય.એસ.પી. વિશાલકુમાર રબારી અને સુરેન્દ્રનગર જિલ્લાના ડી.વાય.એસ.પી. પાર્થ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટ વઢવાણના મેનેજિંગ ટ્રસ્ટી અને સામાજિક અગ્રણી બી. કે. પરમાર, વૈદ્ય ગોવર્ધન રાય, રામજીભાઈ પરમાર, હરિભાઈ સોલંકી, અમૃતભાઈ વાણીયા, નટુભાઈ પરમાર, હરિભાઈ જોષી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો તથા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





