ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ'માં ઐતિહાસિક હવામહેલ બન્યો આકર્ષણનું કેન્દ્ર : 3 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ લીધી ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક હવા મહેલ ખાતે ત્રિદિવસીય 'ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા ફેસ્ટિવલને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલા આ ત્રિદિવસીય 'ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ' માં ઐતિહાસિક "હવામહેલ"માં વિવિધ રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવ્યું હતું,
જેના કારણે મનમોહક અને આકર્ષક છબી ઉભી કરતો વઢવાણનો ઐતિહાસિક હવામહેલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લોકમાન્યતા પ્રમાણે વાત કરીએ તો વર્ષો પછી વઢવાણ અને સુરેન્દ્રનગર વાસીઓએ રાત્રિના સમયે હવામહેલની કલાકૃતિ અને બનાવટની શૈલીને નિહાળી હતી.
આ ત્રિદિવસીય ફેસ્ટિવલની અંદાજે ૧ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે લોક સંગીતની રમઝટ અને વિવિધ ઝાલાવાડી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ સાથે જ શહેરીજનોએ i Love Surendranagar લખેલા સેલ્ફી પોઇન્ટ પર પરિવાર સાથે ફોટોગ્રાફી પણ કરી હતી.
આ ત્રિદિવસીય ફેસ્ટિવલમાં 22 થી વધુ સ્ટોલ ધારકોએ અંદાજિત રૂ.20,00,000 થી વધુનો વેપાર કર્યો હતો. આ સર્વે સ્ટોલ ધારકોને અભિનંદન પાઠવતા મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે અને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી કલ્પેશ ચૌહાણે શહેરીજનોને આ ફેસ્ટિવલ સહભાગી બની ઐતિહાસિક હવામહેલને હેરિટેજ પેલેસ તરીકે વિકસાવવાની આ પહેલમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરે છે.
આ ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલમાં વર્ષો પછી જાણે શહેરીજનોની મનોકામના પૂર્ણ થઈ હોય એવા દ્રશ્યો સર્જાયા હતા, આ સાથે સ્ટ્રોલ ધારકોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ફરી આ પ્રકારનું આયોજન કરવામાં આવે એવી લાગણી વ્યક્તિ કરી હતી.






